Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Tuesday, May 22, 2018

 

- આજનો માનવી જાણવા જેવું જાણતો નથી. એ વહેલી સવારથી મોડી રાત સુધીની એની દિનચર્યાના બંધનમાં જકડાઇ ગયો

પારિજાતનો પરિસંવાદ ડૉ. કુમારપાળ દેસાઈ: 'બોરડમ'થી બચાવો માનવીને !
- આજનો માનવી જાણવા જેવું જાણતો નથી. વહેલી સવારથી મોડી રાત સુધીની એની દિનચર્યાના બંધનમાં જકડાઇ ગયો
  કેવું મહાઆશ્ચર્ય છે કે જે જમાનામાં ગરીબ કે અમીર, સામાન્ય કે અસામાન્ય વ્યક્તિનું જીવન અતિ વ્યસ્તતાથી ઘેરાયેલુંં હોય, ઝડપી હરણફાળ ભરતી ટેક્નોલોજીને કારણે ચપટી વગાડતાં દુનિયા આખીનો સંપર્ક કેળવી શકતો હોય અને તેમ છતાં એના જીવનમાં કંટાળાનો અનુભવ કરતો હોય છે.
 
કંટાળામાંથી જાગતી એકલતાને કારણે આખી જિંદગીને વ્યર્થ માનવા લાગે અને જીવનને બદલે મૃત્યુમાં વધુ શાંતિ જોઇને આત્મહત્યા કરવા પ્રેરાય છે. વર્તમાન યુગના પશ્ચિમના સર્જકો તો ઠીક, પણ હવે ભારતીય સર્જકો પણ જીવનના ખાલીપાને દૂર કરવા માટે પાત્રને આત્મહત્યા કરતું આલેખે છે.
 
ટેક્નોલોજીએ માનવીને દુનિયા આખીની ઓળખ આપી, પરંતુ એનાથી માનવીની એકલતા ઓછી થવાને બદલે એમાં અનેકગણી વૃદ્ધિ થઇ ગઇ. માનવ-માનવ વચ્ચેનો સીધો અને પ્રત્યક્ષ સંપર્ક તૂટી જતાં સંબંધોમાંથી ઉષ્મા, લાગણી, સૌહાર્દ અને મૈત્રીનો ભાવ ભૂંસાઇ ગયો. એક ઑફિસમાં બાજુમાં બેઠેલી વ્યક્તિ પોતાના સાથી કર્મચારી સાથે એસ.એમ.એસ.થી ચા પીવા જવા માટેનું આમંત્રણ મોકલે છે. વૉટ્સએપ દ્વારા જરૃરી-બિનજરૃરી એવા સંદેશાઓના ઢગલા વચ્ચે માણસ દબાઇ જાય છે, તેમ છતાં સંદેશાઓ એને હૃદયસ્પર્શી બનતા નથી.
 
વ્યક્તિના અવાજનો રણકો, એમાં રહેલો લાગણીનો મુલાયમ સ્પર્શ અને અવાજની મધુર મીઠાશ માણવાનું સદ્ભાગ્ય માનવી સામે ચાલીને ગુમાવી રહ્યો છે. ભાષામાંથી સ્નેહ, સૌજન્ય, ભાવના કે દિલનો રંગ બીજાના હૃદયમાં સંક્રાંત કરવાની વાત વીસરાતી જાય છે. આજે તો ભાષા શુદ્ધિની પરવા કર્યા વિના વ્યવહારમાં અતિસંક્ષિત અને ટૂંકી ભાષા પ્રયોજાય છે. સુકાઈ રહેલા સંબંધોનો સંસ્પર્શ આપણને પ્રયોજાતી ભાષામાં થાય છે. આવે સમયે રશિયાના સમર્થ લેખક મૅક્સિમ ગોર્કીનું સ્મરણ થાય છે.
 
જગપ્રસિદ્ધ નવલકથા, નવલિકા, આત્મકથા અને નાટકોનું સર્જન કરનાર મૅક્સિમ ગોર્કી કથળતી તબિયતે અમેરિકાના પ્રવાસે ગયા, જો કે સમયે પણ એમનું નાટયલેખન અને નવલકથાલેખન ચાલતું હતું. અમેરિકાના પ્રવાસે ગયા, ત્યારે એમના ભોમિયાએ એમને અમેરિકાનાં કેટલાંય મનોરમ્ય સ્થળોની મુલાકાત કરાવી અને મનોરંજનનાં સાધનોનો પરિચય આપ્યો.
 
પછી સમૃદ્ધિમાં આળોટતા અમેરિકાની વિદાય લેતી વખતે મૅક્સિમ ગોર્કીને ભોમિયાએ પૂછ્યું, ' અમેરિકામાં આટલાં બધાં આનંદપ્રમોદનાં સાધનો અને આટલાં બધાં મનોરંજનનાં સ્થળો જોયા પછી અમેરિકા વિશેનો તમારો શો અભિપ્રાય છે?'
 
ત્યારે મૅક્સિમ ગોર્કીએ ગળગળા થઇને જવાબ આપ્યો, 'જે દેશની પ્રજાને મનોરંજન માટે આટલાં બધાં સ્થળો અને કેટલાંય સાધનોની જરૃર પડતી હશે, તે દેશની પ્રજા હકીકતમાં કેટલી બધી દુ:ખી હશે ?'
 
વર્ષો પહેલાં મૅક્સિમ ગોર્કીએ કરેલી વાત આજે માત્ર અમેરિકાની પ્રજા પૂરતી મર્યાદિત નથી, બલકે ટેક્નોલોજી પરસ્ત સઘળા દેશોની હકીકત છે અને હવે તો ટેક્નોલોજીએ ઓફિસમાં જતાં કર્મચારીને ઘરમાં બેસાડી દીધો છે. ઘેર બેઠા બેઠા પોતાની ઓફિસનું સઘળું કામ કરે છે અને આવતીકાલે મશીનના સતત વિસ્તરતા પ્રભાવને કારણે કાં તો મશીન આગળ માણસ નબળો કારીગર સાબિત થશે કે બેકાર બની જશે અથવા તો એને જીવનયાપન માટે કામ નહીં કરવાનો પગાર આપવામાં આવશે !
 
આજના માનવીએ જીવનમાં એવી દોડધામનું સર્જન કર્યું કે જેને પરિણામે વ્યક્તિને જીવનનો હેતુ, લક્ષ્ય, પ્રયોજન કે સાર્થકતા વિશે વિચારવાનો ભાગ્યે સમય મળે છે. પરિણામે પ્રચંડ 'બોરડમ'નો ભોગ બને છે, કારણ કે એને જે બાબત જાણવાની જરૃર છે અમૂલ્ય જીવન વિશે તો અંધારિયા કૂવામાં ફાંફાં મારે છે.
 
રશિયાના મહાન રહસ્યવાદી ઓસ્પેન્સ્કીને એના જ્ઞાાનનું ગુમાન હતું. જ્યારે અન્ય રશિયન રહસ્યવાદી જ્યોર્જી ઇવાનોવિચ ગુર્જિયેફને મળવા આવ્યો ત્યારે મુલાકાતના પ્રારંભમાં ગુર્જિયેફે એને કહ્યું, 'મેં સાંભળ્યું છે કે તમે મહાપંડિત છો, પરંતુ આપણે વાર્તાલાપ કરીએ તે પહેલાં તમે એક કામ કરી લાવો. ઘેર જઇને બે કાગળ લેજો. એક કાગળ પર તમે શું જાણો છો તે લખજો અને બીજા કાગળ પર તમે શું જાણતા નથી તે લખીને લાવજો. આને આધારે આપણે આવતીકાલે  વાત કરીશું.'
 
તત્ત્વજ્ઞાાની ઓસ્પેન્સ્કી ઘેર ગયા. પોતે શું જાણે છે વિશે વિચારવાનું શરૃ કર્યું, પણ કશું લખી શક્યા નહીં. એમણે વિચાર્યું કે ઈશ્વર વિશે, સત્ય વિશે કે આત્મા વિશે ખરેખર શું જાણે છે ? અને એમને ખ્યાલ આવ્યો કે ભલે વિખ્યાત તત્ત્વજ્ઞાાની હોય, પણ જે બાબતો જાણવાની જરૃર છે અંગે કશું જાણતા નથી.
 
આજનો માનવી જાણવા જેવું જાણતો નથી. વહેલી સવારથી મોડી રાત સુધીની એની દિનચર્યાના બંધનમાં જકડાઇ ગયો હોય છે. મુંબઈ કે કલકત્તા જેવાં મહાનગરોમાં નોકરી કરીને રાત્રે લોકલ ટ્રેનમાં પાછા ફરતાં મુસાફરોના ચહેરા તમે જોયા હશે ! એમના ચહેરા પર કોઇ નૂર હોતું નથી. અતિ શ્રમ અને ભારેખમ જિંદગીના થાકનો બોજ એમના મુખ પર લદાયેલો હોય છે. કોઇની આંખોમાં શૂન્યતા વ્યાપેલી હોય છે, તો કોઇ થાકીને ઝોકાં ખાતાં હોય છે. કોઇ નિર્જીવ હોય તેમ લમણે હાથ દઇને આંખોમાં ઘેરી નિરાશા સાથે સફર કરતા હોય છે.
 
જીવનમાં આવતો કંટાળો એક વિલક્ષણ બાબત છે. નાના નોકરિયાતની જેમ મોટા ઉદ્યોગપતિને પણ ઘેરી વળે છે. કોઇ ઉચ્ચ સરકારી અધિકારીની સાથોસાથ કોઇ પ્રખર વિદ્વાન કે પીઢ રાજકારણીને પણ એમના જીવનમાં કંટાળાનો અનુભવ થતો હોય છે. બંધિયાર સરોવરના પાણી પર જેમ લીલ બાઝી જાય, તેમ કંટાળાની લીલ એના જીવન પર જામી ગઇ હોય છે.
 
વર્તમાન યુગમાં શેરબજારમાં અઢળક કમાણી કરનાર વૉરન બફેટને અહીં યાદ કરીએ. કોઇ મોટી લાભદાયી ઘટના, એકાએક થતી જંગી કમાણી કે રાતોરાત શેરના વધતા ભાવોથી વૉરન બફેટને કોઇ વિશેષ આનંદ કે રોમાંચ પ્રાપ્ત થતો નથી. કારણ એટલું કે એમને એવી પ્રતીતિ છે કે જિંદગીની ખુશીઓ ક્યારેય ધનથી ખરીદી શકાતી નથી.
 
જિંદગીની ખુશી તો એમને સાગરકિનારે અસ્તાચળ પામતા દરિયાની ભીની-ભીની રેતીમાં ખુલ્લા પગે ટહેલવામાં મળે છે. કિનારા પર વહેતો મંદ મંદ સમીર એમના મનને તાજગી આપે છે અને ક્યારેક કૉફી-શોપમાં બેસીને આવતા-જતા લોકોના ચહેરાઓ, હાવભાવ અને જીવનશૈલી જોવામાં આનંદ આવે છે. 'બોરડમ'થી દૂર થવા માટે વૉરન બફેટે આનંદપ્રાપ્તિની એવી ચાવી મેળવી કે સામાન્ય બાબતોમાંથી અસામાન્ય આનંદ  મેળવી શકાય છે.
 
ક્ષણનો સાક્ષાત્કાર
એક ઘરમાં વસતી બે વ્યક્તિઓ વચ્ચે શા માટે આટલો બધો વિસંવાદ છે ? વ્યક્તિના જીવનમાં આજે અશાંતિ અને ઉગ્રતા કેમ છે ? એક ઘર કે કુટુંબમાં વસતા હોવા છતાં જીવનના સંબંધોમાં પરસ્પર વચ્ચે દીવાલ કેમ થઇ ગઇ છે ? શા માટે પતિ-પત્ની, સાસુ-વહુ કે ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધોમાં તિરાડ જોવા મળે છે ? આનું કારણ વ્યક્તિ નથી, પણ વૃત્તિ છે અને એના મૂળમાં ગુસ્સો અને હઠ છે.
 
વ્યક્તિ નાની નાની બાબતો અંગે મિજાજ ગુમાવતી હોય છે અને પછી પોતે ગુમાવેલો મિજાજ સ્વસ્થ બનાવવા માટે એને ખુદને ખૂબ મહેનત કરવી પડે છે. આજના જીવનમાંથી સૌથી મોટી બાદબાકી ધીરજ અને સહિષ્ણુતાની થઇ ગઇ છે, આથી નાની નાની બાબતો ઉગ્ર સ્વરૃપ લે છે. તદ્દન સામાન્ય ઘટના અસામાન્ય રૃપ ધારણ કરે છે અને એવા ગુસ્સાને પરિણામે વ્યક્તિનું, એનાં બાળકોનું અને એનું સમગ્ર જીવન કલુષિત થાય છે.
 
ગુસ્સો અને હઠનું દ્વંદ્વયુદ્ધ ચાલે છે. એક વ્યક્તિ ગુસ્સો કરે અને બીજી વ્યક્તિ હઠ લઇને બેસે, એક અકળાય અને બીજી પોતાની વાતમાંથી એક તસુ પણ આઘીપાછી થવા તૈયાર હોય. આને પરિણામે સંબંધોમાં એક પ્રકારની વિસંવાદિતા આવે છે અને તેથી વ્યક્તિના જીવનમાં, એના સંબંધોમાં અને એના કુટુંબમાં આનંદનો ઉત્સવ ભાગ્યે જોવા મળે છે. મોટે ભાગે તો ગુસ્સાની અને હઠની હોળી સળગતી હોય છે.
 
ગુસ્સો કોઇ દલીલ સ્વીકારવા માગતો નથી અને હઠ કોઇ વાત સાંભળવા માગતી નથી. એક એવી પરિસ્થિતિ થાય છે કે જ્યાં સંવાદની કોઇ શક્યતા રહેતી નથી અને વિસંવાદ જીવનરીતિ બની રહે છે. વિસંવાદ માનવીના મનને ઘેરી વળે છે અને એના તનમન પર વિપરીત પ્રભાવ પાડે છે. માણસ જેવો જાતે પોતાને માટે મુશ્કેલીઓનો સર્જક અને પોષક બીજું કોઇ નથી.
 
મનઝરૃખો....
અમેરિકાના ચાલીસમા પ્રમુખ રોનાલ્ડ રીગને સતત બે ટર્મ સુધી અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું અને એમણે અર્થકારણને મજબૂત કરવા માટે અપનાવેલી નીતિ 'રીગેનિઝમ' તરીકે જાણીતી થઇ. અમેરિકા અને રશિયા વચ્ચેના નવા સૌહાર્દપૂર્ણ યુગનો આરંભ થયો. રીગને અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં સાઇઠ ટકા ન્યાયાધીશોની નિમણૂક કરી ઈતિહાસ સર્જ્યો. એક મુદ્દા પર પ્રમુખ રોનાલ્ડ રીગન એમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જનરલ કોલિન પૉેવેલ અને કેબિનેટના અન્ય સભ્યો સાથે નીતિવિષયક વિચારવિમર્શ કરતા હતા.
 
પ્રમુખ રીગનને પૉવેલ અને અન્ય સભ્યોની રાજનીતિની ચાલ પસંદ નહોતી, પરંતુ એમણે જોયું કે તમામ સભ્યો પ્રસ્તાવ અંગે સહમતિ ધરાવે છે. આથી એમણે એના સ્વીકારની દિશામાં આગળ પગલું ભર્યું. પોતાના સાથીઓ પર વિશ્વાસ રાખીને કામ કરવામાં માનતા રીગને નીતિ અમલમાં તો મૂકી, પરંતુ થોડાક સમયમાં એને ઘોર નિષ્ફળતા મળી અને ચોતરફ એવી ચર્ચા જાગી કે પ્રમુખ રીગને આવી અસફળ નીતિ અમલમાં મૂકવા માટે કેમ અનુમૂતિ આપી ? આની  પાછળ કયાં પરિબળો જવાબદાર છે ?
 
રહસ્ય જાણવા માટે મીડિયાએ એમને ઘેરી લીધા અને એક પત્રકારે પૂછ્યું, ' નીતિ તમે ઘડી હતી કે આના  માટે બીજો કોઇ જવાબદાર છે ?'
 
ત્યારે પ્રમુખ રીગને કહ્યું, ' મારો પોતાનો વિચાર હતો, એમાં શંકાને કોઇ સ્થાન નથી. પણ સાથોસાથ તમને પણ કહી શકું કે હું એક વાર ભૂલ કરું છું, તે બીજી વાર કરતો નથી.'
 
આમ કહીને રીગને જનરલ પૉવેલ અને પોતાના સાથીઓની પ્રતિષ્ઠા બચાવી લીધી. પ્રમુખને નિષ્ફળતાની સઘળી જવાબદારી પોતાના શિરે લેતા જોઇને સમયે ઉપસ્થિત પૉવેલની આંખમાં આંસુ આવી ગયા. તેઓ પારખી ગયા કે જો માટે એમણે પૉવેલ અને કૅબિનેટના અન્ય સભ્યોને દોષિત ઠરાવ્યા હોત, તો બધા સાથીઓની પ્રતિષ્ઠા ધૂળધાણી થઇ ગઇ હોત. એને બદલે પોતાની જાતને દોષિત ઠેરવીને રીગને એમના સન્માનની રક્ષા કરી અને એમની ભૂલને પ્રજા સમક્ષ જાહેર થતાં અટકાવી. આવા કુશળ નેતૃત્વથી નેતાને પોતાની ટીમનું સંપૂર્ણ  સમર્થન  પ્રાપ્ત થઇ શકે છે.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]