Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Wednesday, October 07, 2015

 

ટોકિંગ પોઈન્ટ- સુદર્શન ઉપાધ્યાય

ટોકિંગ પોઈન્ટ- સુદર્શન ઉપાધ્યાય

શ્રધ્ધાળુઓ કચડાય છે ત્યારે ભગવાન ક્યાં હોય છે?

પક્ષીઓ હજારોની સંખ્યામાં આકાશમાં છે પણ ક્યારેય ભટકાતા નથી : ગાય પણ મરેલા કૂતરા પરથી દોડતી નથી પરંતુ માનવજાત દંડાય છે

ભગવાનના અસ્તિત્વ વિશે શંકા જાય છે ઃ મક્કામાં ૧૦૦૦થી વધુ શ્રધ્ધાળુ મોતને ભેટયા; પરવર દિગારે શીખવાડેલી જાગૃતિનો ઉપયોગ કરો

ચારધામની યાત્રા કરતાં મક્કાની યાત્રામાં વધુ સારું મેનેજમેન્ટ હોવાનું કહેવાતું હતું. ચારધામ યાત્રા દરમ્યાન થયેલી કુદરતી હોનારતમાં ગુમ થયેલા યાત્રાળુઓની સંખ્યા સેંકડોમાં હતી. ત્યારે એવી સરખામણી થતી હતી કે મક્કાની જેમ ચારધામના યાત્રિકોને પણ હાથે મેગ્નેટ બેલ્ટ  હોત તો તે ક્યાં પડી ગયા છે તે શોધી શકાત!! ક્રાઉડ મેનેજમેન્ટ બહુ અઘરી વાત છે. ધાર્મિક સ્થળોએ જતા શ્રધ્ધાળુઓ ઘેરથી ભલે બે-પાંચની સંખ્યામાં આવતા હોય પણ અંતે તો તે શ્રધ્ધાળુઓના મોટા ટોળામાં જોડાઇ જાય છે.
આ ટોળું જય રણછોડ; જય અંબે કે જય ખોડીયારના નારામાં સામુહિક સંમોહનનો ભોગ બને છે. દરેકને વહેલા દર્શન કરવા છે અને અન્ય કરતા પહેલાં આશિર્વાદ લેવા હોય છે જે અંતે ધક્કામુક્કીમાં પરિણમે છે. લોકો કચડાઇને મરે ત્યારે અરેરાટી અને આઘાત લાગે છે. ભગવાન કે અલ્લાહને મળવા ચોક્કસ દિવસે જ શા માટે જવું જોઇએ? ભગવાન રાજા છે તેમને ગમે ત્યારે મળી શકાય તેમ છતાં પૂનમ, અગિયારસ, અમાસ વગેરે ભરનારો ચોક્કસ વર્ગ છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે જો શ્રધ્ધાળુ શ્રધ્ધા સાથે દર્શન કરવા આવે તો તેમને સાચવવાની જવાબદારી બે જણાની છે. એક છે મંદિરના મેનેજમેન્ટની અને બીજી છે મંદિરના ભગવાનની!! લાખોની સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓનું મેનેજમેન્ટ મંદિરવાળા કરી શકતા નથી, તેમનો આશય દાનપેટી ભરાઇ કે નહીં; છાપામાં ફોટા આવ્યા કે નહીં; કે દોષ બીજાના માથે ઢોળી દેવામાં આવે એવો હોય છે.
એક સમય હતો કે જ્યારે કુંભમેળામાં સ્નાન કે ચારધામ યાત્રાએ જનાર યાત્રી સમયસર પાછો આવશે તેમ મનાતું નહોતું. ત્યારે કોમ્યુનિકેશન માટે પોસ્ટકાર્ડ અને ભાગ્યે જ કામ કરતા ટેલિફોનના ડબલાં હતા. આજે સ્થિતિ બદલાઇ છે. દરેકના ખિસ્સામાં મોબાઇલ છે. ગમે તે ક્ષણે તે સંદેશો આપી શકે છે. જોકે અંતે તો લોકો ભગવાન પર વધુ ભરોસો રાખે છે. દરેકને મનમાં ચોક્કસ ભાવના હોય છે કે મારો રણછોડરાય કે મારા મહાદેવ કે મારા અલ્લાહ મને સાચવશે; બચાવશે!!
પરંતુ જ્યારે ચારધામ પરની કુદરતી આફત કે તાજેતરની મક્કાની દુર્ઘટના જોઇને એમ થાય છે કે જ્યારે શ્રધ્ધાળુઓ કચડાતા હતા ત્યારે ભગવાન મદદે કેમ ના આવ્યા? જો ભગવાન સર્વવ્યાપી અને સર્વજ્ઞાાતા હોય તો તેમના દર્શને આવેલાને બચાવવાના બદલે શા માટે તમાસો જોયા કર્યો? કોઇના પણ મનમાં આ પ્રશ્ન ઊઠે છે. જવાબ કોઇ પાસે નથી.
શ્રધ્ધાળુઓ કચડાઇ મરે છે તે અંગે થોડો સમય ઉહાપોહ થાય છે પરંતુ ભક્તોની ભીડ બીજાવર્ષે પણ ચાલુ રહે છે. નથી ભક્તો સુધરતા; નથી વહિવટકારો સુધરતા કે નથી ભગવાન મદદ માટે આવવા તૈયાર થતા!! ત્રણમાંથી કોઇ સુધરતું નથી. અંતે ધક્કા-મુક્કી, જીવતાં કચડાઇ જવું જેવી ઘટનાઓ બનતી આવે છે અને બનતી રહેશે.
ભક્ત કચડાતો હોય ત્યારે ભગવાન મદદે કેમ ના આવે તે પ્રશ્નનો જવાબ લોકો શોધે છે. આમ તો ભગવાનનું અસ્તિત્વ છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ઊભો થાય છે.
ઘણાં એવા શેખી મારે છે કે અમારા ગામનું મંદિર એવું ચમત્કારીક છે કે વરસાદમાં બધાના જ ઘરમાં પાણી ઘૂસ્યા પણ ગામના મંદિરમાં ના ઘૂસ્યા બોલો!!.. છે ને ચમત્કાર!! સાંભળનારાએ કહ્યું કે અરે લલ્લુ ગામના ઢોર-ઢાંખર મરી ગયા; લોકો મોતને ભેટયા અને તું મંદિરની ઝાલર વગાડે છે? ભગવાન પાણી ના રોકી શકે પણ સલામત સ્થળે ખસી જવાની બુધ્ધિ ચોક્કસ આપે છે. આપણે આ સ્થિતિ સમજી શકતા નથી.
મંગળા કે અન્નકૂટ કે ભગવાનના મુગટના દર્શન કરવાથી આપણી ઈચ્છાઓ પુરી થાય છે એવું કોઇ ધર્મશાસ્ત્રમાં લખ્યું નથી. તમે કોઇ ધાર્મિક સ્થળે જાવ અને મંગળાના દર્શન માટે દોડતા હોય ત્યારે સ્થાનિક લોકો બહાર ઓટલે બેઠા બેઠા દાતણ કરતા હોય છે!! ઈચ્છાઓ તો તેમને પણ સાકાર કરવી હોય છે પરંતુ તે ભીડનો ભાગીદાર બનવા નથી માગતો!!
શ્રધ્ધા વિચિત્ર વસ્તુ છે. આપણાં ખાસ કરીને હિન્દુઓના ડીએનએમાં શ્રધ્ધાના તત્વો વિશેષ છે. શ્રધ્ધા અને ચમત્કારના દર્શન કરવા તે દોડે છે; લૂંટાય છે; પૈસો ગુમાવે છે. છેલ્લે હાથમાં ચપ્પણીયું નથી આવતું છતાં તે શ્રધ્ધામાં ડૂબેલો રહે છે.
ધર્મ વિશે અને ઈશ્વરના અસ્તિત્વ અંગે ચિંતન કરતા ઓશો રજનીશ; ઘેડ પંથકના સ્વામી બ્રહ્મવેદાંત, ગુર્જએફ વગેરે કહે છે કે જ્યારે કલેક્ટીવ અનકોન્સીયસનેસ ઊભી થાય ત્યારે કુદરત તેને દંડ આપે છે. કલેક્ટીવ અનકોન્સીયસનેસ એટલે સામુહિક બેહોશી!! ઘેટાં ચાલે એમ લોકો એકબીજાનું અનુકરણ કરે છે. જ્યારે તેની માત્રા વધે છે ત્યારે તેને મિકેનીકલનેસ અર્થાત્ યાંત્રિકતા કહે છે. આવી યાંત્રિકતાને કુદરતમાં સજાને પાત્ર કહે છે. માનવજીવનમાં મિકેનીકલનેસ આવશે તો તેનું મૃત્યુ થશે!! પ્રથમ નજરે આ વાતો ભારે લાગે પણ શાંતિથી વિચારીએ તો એમ લાગે કે જ્યાં લાખો લોકો આવતા હોય તેમાં ધક્કા મારીને જવું એ મોતને કંકોત્રી લખવા બરાબર છે.
તત્વજ્ઞાાનીઓ વારંવાર સમજાવે છે કે ભગવાન તમને રૃબરૃ હેન્ડશેક કરવા કે ભેટવા નથી આવવાનો કે તમને ભીડમાંથી બહાર નથી કાઢવાનો પણ તે તમને જાગૃત બનાવે છે. ભીડ ઓછી થવા દો; પછી જાવ, બીજા દિવસે જાવ; પૂનમ જેવા દિવસોએ ના જાવ વગેરે.. વગેરે.. પરંતુ આવી જાગૃતિ લોકોના મનમાં ઘૂસતી નથી. શ્રધ્ધાળુઓ  હઇશો ભાઇ હઇશોમાં માને છે.
પાંડુરંગ દાદાએ ધર્મના એક એક મુદ્દાની છણાવટ કરી છે. સ્વાધ્યાય પરિવારો સક્રિય છે પણ દાદાની ગેરહાજરી સાલે છે. ધર્મમાં શિસ્ત ના હોય, દર્શનમાં શિસ્તબધ્ધ ભીડ ના હોય તો ત્યાં ના જવું; ઘેરબેઠા પણ ત્રિકાળ સંધ્યા થઇ શકે છે. લોકો પર સાહિત્યની અસર નથી થતી; તેમને પ્રત્યક્ષ સમજાવનાર જોઇએ છે. પાંડુરંગ દાદાની જેમ સમજાવનારાની સંખ્યા એક આંગળીને વેઢે ગણાય એટલી પણ નથી.
તત્વજ્ઞાાનીઓ એટલું ભારે કહે છે કે શ્રધ્ધાળુ તે સમજવા જાય તો બિમાર પડી જાય!! સ્વામી બ્રહ્મવેદાંત જેવા એક ખૂણામાં બેઠાં-બેઠાં જાગૃતિનો પવન ફૂંકે છે પણ તેનું વાવાઝોડામાં રૃપાંતર થતું નથી. તે કહે છે કે આપણી પાંચ ઈન્દ્રીયો જ સમસ્યાનાં મૂળમાં હોય છે. આ પાંચ પાંડવો સમાન છે. તેને કાબુમાં રાખો તો ભગવાનની કૃપા ઉતરવી શરૃ થશે. આ પાંચ ઈન્દ્રીયો એટલે આંખ, કાન, નાક, સ્પર્શ.
તિરૃપતિ બાલાજી મંદિરમાં શ્રધ્ધાળુઓની ભીડનું સુપર્બ મેનેજમેન્ટ થાય છે. ત્યાં એક દિવસ બેસી રહેવું પડે છે. લાઇનમાં આવે ત્યારે દર્શન થાય છે. પોતાના મંદિરમાં ચગદાઇને કોઇ મરે એ તેમને પસંદ નથી. દરેકને શાંતિથી દર્શન થાય છે. આવી સૂઝ દરેક મંદિરના વહિવટકારોમાં નથી હોતી. ખઇ બદેલા ટ્રસ્ટીઓની નજર દાનપેટી પર હોય છે અને વધુ દાન કેવી રીતે ખેંચી લાવવું તેની ખટપટ પર હોય છે. તિરૃપતિ બાલાજી સૌથી વધુ આવક કરતું મંદિર છે. જ્યાં શ્રધ્ધાળુઓની ભીડનું મેનેજમેન્ટ છે ત્યાં લોકોની  શ્રધ્ધા વધે છે.
અહીં કેટલીક હકીકતો પર નજર નાખવા જેવી છે. શ્રધ્ધાળુઓમાં ઘેટાશાહી વિશેષ હોય છે. માણસ પર બીજો માણસ ચઢીને ભાગતો જાય અને નીચે પડેલો કચડાયા કરે તેવું તો માનવજાતમાં જ બને છે. ગાય ગાંડી થઇ હોય તો પણ મરેલા કૂતરા પર ચઢીને ભાગતી નથી. જો ભગવાને પૃથ્વી પરના એક જ જીવને મગજ અને વિચારવાની શક્તિ આપી હોય તો પછી તેનો ઉપયોગ તે કેમ નથી કરતો?
પરંતુ વર્ષોથી આવું ચાલ્યા કરે છે. શ્રધ્ધાળુઓએ પોતે સુધરવાની જરૃર છે, મગજશક્તિનો ઉપયોગ કરવાની જરૃર છે. ઘેટાશાહી વિચારસરણીમાંથી બહાર આવવાની જરૃર છે.
ઈશ્વરનું અસ્તિત્વ આપણે કન્ડીશન માઇન્ડથી જોઇએ છીએ. પ્રકૃતિ દરેકને બે કાન, બે આંખ, બે પગ સાથે ધરતી પર મોકલે છે. ધરતી પર આવ્યા બાદ આપણે કયા ઘરમાં જન્મ્યા છે તે આધારે તેનો પહેરવેશ, ઈશ્વરની પૂજા વગેરે નક્કી થાય છે. જેને તત્વજ્ઞાાનીઓ કન્ડીશનીંગ કહે છે.
પ્રકૃતિએ પૃથ્વીની ઉપર જેને પેદા કર્યા છે તેમાં માનવજાતની સાથે પશુ-પક્ષી-જળચર પ્રાણીઓ છે. આકાશમાં હજારો પક્ષીઓ સામસામે ઉડે છે પણ ક્યારેય ટકરાતા નથી. પરંતુ માણસ એકબીજાને કચડીને આગળ જઇ શકે છે. પશુ-પક્ષી કુદરતના કાયદાને આધારીત છે તો માણસે કુદરત ઉપરાંત પોતાનો 'લૉ' બનાવ્યો છે. જેણે જન્મ આપ્યો તેણે કુદરતી 'લૉ' આધારીત આપ્યો છે. ત્યારબાદ તે માનવસર્જીત 'લૉ'માં આવી જાય છે. આ વખતે કુદરત અર્થાત્ ભગવાન વચ્ચેથી છટકી જાય છે તેમ છતાં કુદરત વર્તમાનમાં જીવવાની વાત કરે છે. તમે મોંઢામાં એક કોળીયો આહૂતિ રૃપે મૂકો છો બીજા કોળીયે તમારું ધ્યાન અન્ય બાબતોમાં પોરવાઇ જાય છે. જે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં રચ્યો-પચ્યો રહે છે તેને ભૂતપ્રેત કહેવાય છે.
ભગવાન પાસે મનુષ્યે ઘણી અપેક્ષાઓ રાખી છે તો સામે છેડે મનુષ્યે કુદરતના નિયમોનો ભંગ કરીને જીવન જીવ્યું છે.
મક્કા જેવી ઘટનાઓ બને ત્યારે લોકોના મનમાં થોડા સમય માટે પરવર દિગારના અસ્તિત્વ અંગે સવાલો ઊઠે છે પરંતુ આ સ્મશાન વૈરાગ્ય જેવું હોય છે. ભગવાન આપણને જાગૃતિનું જ્ઞાાન આપે છે. ભીડમાં ના જવાય; પછી દર્શન થઇ શકે છે પરંતુ લોકો દેખાદેખીમાં લપેટાઇ જાય છે. ભગવાન જે જાગૃતિનું જ્ઞાાન આપે છે તેનો અમલ આપણે કરતા નથી.
કોઇ દરીદ્રનારાયણમાં ભગવાન જુવે છે તો કોઇ રક્તપીત્તીયામાં ભગવાન જુવે છે તો કોઇ છુપા હાથે મદદ કરી નેકી કર દરીયામાં ડાલને ભગવાન તરીકે જુવે છે!!


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]