Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Thursday, October 22, 2015

 

તારી અને મારી વાત- હંસલ ભચેચ 21/10/2015 Gujarat Samachar

તારી અને મારી વાત- હંસલ ભચેચ

જતું કરવામાં અને ભૂલી જવામાં ઘણો મોટો ફરક છે તેવી સમજ સંબંધોને મજબૂત બનાવે છે

'જતું કરવું' એ માનસિક શાંતિ અને સ્થિરતા ઉત્પન્ન કરતી એક અદ્ભૂત ચેષ્ટા છે તેની ના નહીં, પણ વ્યવહારમાં ક્યાં, ક્યારે, કેટલું, કેવી રીતે, કેમ જતું કરવું તેની સમજ વધુ અગત્યની છે. મનમાં આ બધી બાબતોની સ્પષ્ટ સમજ વગર તમે ક્યારેય સાચા અર્થમાં કશુંય જતું નથી કરી શકતા.

હમણાં એક બેને મને રીતસરનો ખખડાવી નાખ્યો. બન્યું એવું કે એ બેનને છેલ્લા ઘણાં સમયથી ઊંઘની ત્રણ-ત્રણ ગોળીઓ ખાવા છતાંય રાત્રે ઉંઘ નહોતી આવતી અને અપૂરતી ઉંઘના કારણે એ સખત ગુસ્સામાં રહેતાં હતાં એવું તેમનું કહેવું હતું. મેં એમને એવું કહ્યું કે તમને ગુસ્સો આવવા પાછળ તમારી ઊંઘ કરતાં તમારા વીસ વર્ષના અશાંત લગ્નજીવન અને સાસરિયા પ્રત્યેનો આક્રોશ, અસંતોષ, નિષ્ફળતા વગેરે વધારે જવાબદાર છે. આ વીસ વર્ષનો હિસાબ-કિતાબ (પતિથી માંડીને સાસુ-સસરા-નણંદ વગેરેએ કરેલા વ્યવહારો) અને તેની સાથે સંકળાયેલી નકારાત્મક લાગણીઓ તમે જતી નહીં કરો ત્યાં સુધી તમને શાંતિની ઊંઘ નહીં આવે અને બેન મારી પર ભડક્યા, ''એટલે તમે પણ એમ માનો છો કે બધો વાંક મારો જ છે ?! હું પરણીને આવી ત્યારથી એ લોકોએ મને સ્વીકારી જ નથી. દરેક નાની વાત પર એમાંના દરેકે જે મને સંભળાવ્યું છે, જે મારી સાથે વર્તન કર્યું છે એ બધું ભૂલી જાઉં એવું તમે કહેવા માંગો છો ?! તમે પુરુષો જન્મજાત અસંવેદનશીલ હોવ છો. સ્ત્રીના મન પર શું વીતે છે એ તમે ક્યારેય સમજી શકવાના નથી.'' આક્રોશમાં ને આક્રોશમાં પોતાના પતિ અને કદાચ જીવનમાં આવેલા અન્ય પુરુષોની અસંવેદનશીલતામાં બેન મને પણ ઢસડી ગયા !
'તમે મારી વાત બરાબર સાંભળી નહીં, મેં જતું કરવાનું કહ્યું, ભૂલી જવાનું નહીં. જતું કરવામાં અને ભૂલી જવામાં ઘણો મોટો ફરક છે.' મેં એમની સામે સ્મિત આપતા કહ્યું, કારણ કે મને ખબર છે કે મોટાભાગની વ્યક્તિઓને જતું કરવું અને ભૂલી જવું વચ્ચેના ફરક અંગેની સમજ નથી હોતી.
એ થોડો સંકોચ પામતા બોલ્યા, ''સોરી સર, પણ બધા તમારા જેવા ધીરજવાળા, શાંત અને સમજી શકે તેવા નથી હોતા.'' (આ ગુણોનું સર્ટિફિકેટ મારી પત્ની આપે તો જ માન્ય ગણાય એવી મારી સાવ સાદી સમજ છે !)
*  *  *
આજની વાતના ઉપાડ માટે કન્સલ્ટીંગ રૃમની આ નાની ઘટના જરૃરી હતી. દુનિયાભરના ફિલસૂફો, ધર્મગુરૃઓ, ઉપદેશકો, કથાકારો વગેરેથી માંડીને સામાન્યમાં સામાન્ય માણસ બીજાને હંમેશા જીવનમાં વિવિધ તબક્કે જતું કરવું એવું સમજાવતા આવ્યા છે (એમાંના કેટલાએ પોતાના જીવનમાં કેટલું જતું કર્યું છે એ જુદી વાત છે !!). જતું કરવું એ માનસિક શાંતિ અને સ્થિરતા ઉત્પન્ન કરતી એક અદ્ભુત ચેષ્ટા છે તેની ના નહીં, પણ વ્યવહારમાં, ક્યાં, ક્યારે, કેટલું, કેવી રીતે, કોનું, કેમ જતું કરવું તેની સમજ વધુ અગત્યની છે. મનમાં આ બધી બાબતોની સ્પષ્ટ સમજ વગર તમે ક્યારેય સાચા અર્થમાં કશું ય જતું નથી કરી શકતા. અલબત્ત, જતું કર્યાનો ડોળ કરી શકો પણ સરવાળે મનમાં તો વધુ આક્રોશ અનુભવો છો. આવી વ્યક્તિઓ મેં તો બધું જતું કરી દીધું છે, એમ બોલતી જતી હોવા છતાં મનોમન રિબાતી જતી હોય છે. આપણું કુદરતી વલણ આપણે અનુભવેલી નકારાત્મક લાગણીઓને પકડી રાખવાનું, અવાર-નવાર તે લાગણીઓ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓને વાગોળવાનું, જે-તે જવાબદાર વ્યક્તિઓ પ્રત્યે મનોમન આક્રોશ સેવવાનું અને લાગ આવે વ્યાજસહિત 'રીઅલાઈઝ' કરાવવાના બહાના હેઠળ બધું જ પાછું આપવાનું હોય છે. હવે આ મોકો જીવનમાં આવે'ય ખરો અને ના પણ આવે, ત્યાં લાગી તમારા મનનો એક ખૂણો આવી અનેક નકારાત્મક લાગણીઓના ગોડાઉનની જેમ ભરી રાખવાનો. આ ખૂણો ખૂબ ઉપદ્રવી ખૂણો છે, તમારા જીવનની દરેક પળમાં તેનો નાનો-મોટો, સીધો કે આડકતરો ઉપદ્રવ રહેવાનો જ. જીવનમાં આગળ વધવા માંગતી, પોતાનો એક વ્યક્તિ તરીકે વિકાસ કરવા માંગતી અને શાંતચિત્તે જીવનનો પરિપકવ આનંદ માણવા માંગતી દરેક વ્યક્તિએ આ ગોડાઉનમાં ઓછામાં ઓછું ભેગું કરવું જોઈએ. ડમ્પ કરવું જોઈએ. આ ખૂણાની સાફસૂફી ત્યારે જ શક્ય છે કે જ્યારે તમે એ સમજી શકો કે લાગ આવ્યે એ માલ કોઈને પધરાવવાથી નહીં પણ જતું કરવાથી નકારાત્મકતા ઝડપથી દૂર થાય છે.
પણ લોકો 'જતું કરતાં' અચકાય છે, કારણ કે મોટાભાગનાને ક્યાં, ક્યારે, કેટલું, કેવી રીતે, કોનું, કેમ જતું કરવું તેની સમજ નથી હોતી. જો આ સમજ વગર તમે જતું કરો તો તમે મનોમન રીબાવ તો છો જ પણ સાથે સાથે અન્ય લોકો તમને નમાલા ગણશે. ભવિષ્યમાં ગણતરીમાં જ નહીં લે. તમારું એક વ્યક્તિ તરીકે કોઈ મહત્ત્વ જ નહીં રહે. તમે હડધૂત થતાં જ રહેશો વગેરે ભય તમને સતાવે છે. તમારો ભય સાચો છે, સમજ વગર કશુંય જતું ના કરાય, એ તમને ભવિષ્યમાં દુ:ખી કરે.
કોઈ ઘટના કે વ્યક્તિ આપણને નથી રીબાવતી, પરંતુ તેની સાથે સંકળાયેલી આપણી લાગણીઓ આપણને રિબાવે છે. તેની સાથે સંકળાયેલી લાગણીઓ જેટલી વધુ તીવ્ર તેટલા વધુ આપણે રીબાતા હોઈએ છીએ. અજાણી વ્યક્તિ આપણને દુ:ખી (હર્ટ) કરી જાય તો એણે કરેલાં વર્તન-વ્યવહારથી આપણે ઘડી-બેઘડી રીબાઈએ છીએ, પરંતુ આપણા પોતાના જેને ગણતા હોઈએ તેના દ્વારા જો આ દુ:ખ થયું હોય તો આપણે અકલ્પનીય હદે રિબાઈ શકીએ - હર્ટ થઈ શકીએ કારણ કે એ સંબંધોમાં અત્યંત તીવ્રતાપૂર્વકની લાગણીઓ સંકળાયેલી હોય છે. આનો સીધો અર્થ એ થયો કે આપણા દુ:ખનું મૂળ જે તે વ્યક્તિ કે ઘટનામાં નહીં પણ આપણે એ સંબંધમાં વહેવડાવેલી લાગણીઓમાં છે. જ્યારે આવા સંબંધમાં સામેવાળી વ્યક્તિઓ આપણો તિરસ્કાર કરે, અવગણના કરે, છેતરપિંડી કરે, અપમાન કરે કે આપણી લાગણીઓ સાથે રમે ત્યારે આપણી લાગણીઓને જબરદસ્ત આઘાત લાગે છે અને આપણે પીડાઈએ છીએ. 'જતું કરવું' એટલે જે તે ઘટના કે વ્યક્તિને આ આઘાત-પીડાથી ભરેલી નકારાત્મક લાગણીઓથી અલગ કરવી અને પછી એ લાગણીઓને તેના સાચા અર્થમાં સમજી, તેના ઉપર કાબૂ ધરાવીને આપણી લાગણીઓનું સંતુલન પાછું મેળવવું. જ્યારે આમ કરવામાં આપણે સફળ થઈએ છીએ ત્યારે આપણે પીડામાંથી મુક્ત થઈએ છીએ. યાદ રાખવું પડે કે કોઈપણ ઘટના કે વ્યક્તિ આપણને રીબાવવાનું ઈંધણ આપણી લાગણીઓમાંથી જ મેળવે છે અને જ્યારે આપણે એને એ જ લાગણીઓથી છૂટી પાડવામાં સફળ થઈએ છીએ ત્યારે તે યાદ રહેવા છતાં પીડા નથી આપી શકતી ! મને બરાબર ખબર છે કે મેં જેટલી સરળતાથી લખ્યું છે તેટલી સરળતાથી વ્યવહારમાં અપનાવવું સહેલું નથી, પરંતુ જો તમે મારી વાતનો મર્મ સમજી શક્યા હોવ અને એ દિશામાં પ્રયત્નશીલ થશો તો અનુભવે તમે જતું કરવાની કળા શીખી જશો તે નક્કી...
પૂર્ણવિરામ :
જીવનમાં પરિપકવ અને વ્યવહાર-કુશળ બનવા માટે વ્યવહારો - ઘટનાઓને ભૂલી જઈ, તેમાંથી મળેલા બોધપાઠને મગજમાં મમળાવતા રહેવું જરૃરી છે.


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]