Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Tuesday, September 15, 2015

 

સ્વામી વિવેકાનંદના પત્રો વિવેક અને આનંદના નક્ષત્રો

સાંપ્રત સમય અજંપા ભરેલી પરિસ્થિતિમાં વીતે છે... ત્યારે સ્વામી વિવેકાનંદનાં પત્રોનું પુસ્તક હાથમાં આવ્યું છે. હાથમાં લેતાં જ કેટલા બધા અવતરણો આજે પણ સાર્થક અને સૂચક લાગે તેવા અર્થસભર અને રસપ્રદ છે... સ્વામી વિવેકાનંદે લખેલા આ પત્રો વિવેક અને આનંદનાં નક્ષત્રો છે. ઉંમરનાં કોઈપણ તબક્કે વિવેકાનંદના શબ્દોમાંથી જીવન જીવવાનો પ્રાણવાયુ મળી શકે તેમ છે. હવે તેમનાં શબ્દો બોલશે...
હું માત્ર એમનાં પત્રોમાંથી ચૂંટેલા વાક્યોને તમારી સમક્ષ મુકું છું. એક પછી એક પછી પત્રોમાં ઠલવાતા આ ચોટદાર વાક્યોમાં માનવજાત પ્રત્યે મૂકેલાં નિસ્વાર્થ અને ઊંડા સ્નેહનું સાયુજ્ય છે...
ગણતરીમાં પડયા વગર વાક્યોની ગહનતામાં ઊતરશો તો વિવેકાનંદ ગમશે... ''દરેક વ્યક્તિને, દરેક પ્રજાને મહાન બનાવવા માટે ત્રણ બાબતો આવશ્યક છે. (૧) શુભની શક્તિ વિશેની સંપૂર્ણ ખાતરી (૨) ઈર્ષા કે આશંકાનો અભાવ (૩) જે લોકો સારા થવા કે સારું કરવા પ્રયત્ન કરતાં હોય તેમને મદદ કરવી, આત્મામાં નથી લિંગ, નથી વર્ણ કે નથી અપૂર્ણતા, આપણે માનીએ છીએ દરેક વ્યક્તિ દિવ્ય છે, ઈશ્વર છે દરેક આત્મા અજ્ઞાાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે. આત્મા-આત્મા વચ્ચેનો ભેદ આ વાદળોનાં થરોની ઘનતાને લીધે છે. આપણે માનીએ છીએ, સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ બધાં ધર્મોનો પાયો આ છે... અને ભૌતિક, બૌધ્ધિક કે આધ્યાત્મિક ભૂમિકામાં થયેલી માનવ પ્રગતિનાં સમગ્ર ઈતિહાસનો અર્થ આ છે - ભિન્ન ભિન્ન ભૂમિકામાં એક જ આત્મા પ્રગટ થાય છે.''
દુર્ગુણ અને સદ્ગુણને સમજાવતાં સ્વામી વિવેકાનંદ કહે છે, ''જે કંઈ ઉન્નતિને રુંધે છે કે અધોગતિ લાવે છે તે જ દુર્ગુણ છે. જે કંઈ ઊંચે ચડવામાં અને બીજા સાથે સૂમેળ સાધવામાં મદદરૃપ થાય છે તે જ સદ્ગુણ છે.'' કેળવણી વિશે વાત કરતાં કહે છે, ''કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ...'' ધર્મ વિશે સચોટ અને સૂચક વાત એક જ વાક્યમાં સમજાવે છે, ''ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ...'' ૧૮૮૯ થી ૧૯૦૨ સુધી લખાયેલા આ પત્રોમાં દ્રઢનિશ્ચય છે. જીવનનો હકારાત્મક અભિગમ છે. એટલે જ શિકાગોથી એક પત્રમાં સ્વામીજી લખે છે, 'ઈશ્વરમાં કેટલાં ગુણ છે, કેટલી શક્તિ છે? - ભલું કરવાની સુધ્ધા, તે જાણવાની કોને પડી છે...! આપણે તો છેવટનું કહી દઈએ. અમે વધુ સમૃધ્ધિ માટે ઈશ્વરને ચાહતા નથી. અમે અમારો પ્રેમ વેચતા નથી, અમે કાંઈ પણ માંગતા નથી, ફક્ત આપીએ છીએ.' ઈશ્વરની અકળ લીલાને પામી ગયેલાં સંયમી વિશે તેઓ લખે છે, 'જ્યારે જગત જાગે છે ત્યારે સંયમી ઊંઘે છે... જ્યારે જગત ઊંઘે છે ત્યારે તે જાગે છે...'
ન્યૂયોર્કમાં એક અધિવેશનમાં આયોજક મહિલાનાં આમંત્રણથી તેઓ ન્યૂયોર્ક પહોંચે છે. અલગ અલગ સંપ્રદાયનાં લોકો તેમને મળે છે. વિશ્વધર્મ પરિષદ પછીની આ વાત છે. જે તંબૂ બાંધવામાં આવ્યો હતો એ તંબૂ વાવાઝોડાને કારણે કેવી પરિસ્થિતિમાં મૂકાય છે તેનું નિરુપણ સ્વામીએ પત્રમાં હાસ્ય દ્વારા માર્મિક રીતે આલેખ્યું છે. એમનાં જ શબ્દોમાં, ''ગઈકાલે ભયંકર વાવાઝોડું ફૂંકાયેલું. તેણે તંબૂઓની સારી 'સારવાર' કરી..! જે મોટા તંબૂમાં વ્યાખ્યાનો ગોઠવ્યા હતા તે આ સારવારથી એટલો બધો આધ્યાત્મિક બની ગયો કે પવિત્ર માનવદ્રષ્ટિથી તે સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયો! અને લગભગ ૨૦૦ ખુરશીઓ તો ભાવસમાધિમાં આમતેમ નૃત્ય કરવા લાગી હતી!'' સ્વામીજીમાં એટલે કે સંન્યાસીમાં રહેલો એક રમૂજી છતાંયે વાસ્તવવાદી આ વાક્યોમાં પ્રગટ થાય છે. એમણે જ કહ્યું છે, 'દરેક કાર્યમાં એક પક્ષનાં લોકો તાળીઓ પાડશે અને બીજા પક્ષનાં છિદ્રો શોધશે. તમારું કાર્ય કર્યે જાવ, આપણે બધાંની સાથે ભળવું જોઈએ. કોઈને આપણાથી જુદાં ન પાડવાં. તમામ આસુરી શક્તિ સામે પૂરેપૂરી દૈવિશક્તિ મૂકવી.'
દુઃખી થનારાં માટે, રોગ અને ભયથી પીડાતાં આપ્તજનો માટે એમણે મા ભગવતી ઉપર ઊંડી શ્રદ્ધા મૂકીને કેવો સંદેશો આપ્યો છે... ''સર્વશક્તિમાન ભગવતી માનો હું પુત્ર છું. મને કદી રોગ કે ભય કે ઉણપ શા માટે હોય? નિષેધાત્મક વૃત્તિને તો મરકી માનીને કચડી નાંખો એટલે દરેકે દરેક પ્રકારે તમારી સમૃધ્ધિમાં વધારો થશે. નિષેધાત્મક કશું જ નહિ, બધું વિધેયાત્મક જ હોવું જોઈએ. હું 'છું', 'ઈશ્વર' છે, 'બધું મારામાં છે,' સ્વાસ્થ્ય, પવિત્રતા, જ્ઞાાન - હું જે ઈચ્છિશ તે બધું પ્રગટ કરીશ.''
સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમશિષ્ય જ્યારે એમ કહે કે, શેઠ દરેક માણસ બની શકે પણ સેવક બનવું ઘણું મુશ્કેલ છે. ત્યારે ભારતની આ તીર્થભૂમિ ઉપર આપણું માન અને સ્વાભિમાન વધી જાય છે. વિવેકાનંદ આપણા આધ્યાત્મિક અને સામાજીક જીવનની પ્રેમાળ કડી છે. આ કડી કાણું પાડીને નથી જોડતી, પરંતુ દિવાલ વગરનું બારણું ઊઘાડી આપે છે...
ઓન ધ બીટ્સ
''પવિત્ર અને નિઃસ્વાર્થી થવા પ્રયત્ન કરજો. બધો ધર્મ એમાં જ આવી જાય છે.''
- સ્વામી વિવેકાનંદ


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]